પૂ. સુમતિમામીની સેવામાં….– ચંદ્રકાન્ત બક્ષી

નાના વિનુએ સ્કુલેથી આવીને ચોપડીઓ મૂકી. હવે એણે દફતર લઈ જવું બંધ કર્યું હતું. અને બાની બૂમ સાંભળ્યા વિના જ બહાર રમવા દોડી ગયો. નાનો વિનુ ખાસ નાનો ન હતો, તેરમું વર્ષ એને હવે બેસવાનું હતું, પણ ચાર વર્ષની ઉંમરે એના બાપ મરી ગયા ત્યારથી જ આસપાસવાળાઓમાં એનું નામ નાનો વિનુ પડી ગયું હતું. હવે એને વિનુ પણ કહેતા, કારણકે એ ઠીંગણો અને હોંશિયાર હતો. અને એનાથી મોટા છોકરાઓ પણ એને રમવા બોલાવતા એટલે એ સમજદાર થઈ ગયો હતો. વિનુને ખાસ કોઈ સગું હતું નહિ. એક કાકા આફ્રિકામાં રહેતા હતા. ઘણાં વરસોથી દેશમાં આવ્યા ન હતા. મુંબઈમાં એક મામા હતા એ ખૂબ પૈસાદાર હતા, એમ બધા કહેતા. એમને ગાડી હતી, બંગલો, ત્રણ ગોરી ગોરી છોકરીઓ હતી જે લગ્નસરામાં દેશમાં આવતી ત્યારે નાના વિનુ સાથે પણ વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલી નાખતી. મામા બાના એકના એક ભાઈ હતા. બાને ઘણી વાર કહેતા મુંબઈ આવવા માટે. બા જતી નહિ. સુમતિમામી પણ કહેતાં : ‘બહેન, હવે મુંબઈ આવો, ઘણાં વરસ થઈ ગયાં.’ બા જવાબ ઉડાવતી, ‘આવવું તો છે એક વાર.’

બા પથારીમાંથી ઊભી થઈ, ડાબા પગ પર સોજા વધારે આવી ગયા હતા. જમણા પગે પણ સોજા તો હતા જ પણ ડાબામાં સોજા સાથે દર્દ થતું હતું. બુઢાપો છે. પણ બુઢાપો ન હતો. પાડોશીઓ કહેતા કે ઉંમર તો શું છે ભાભીની; ખાસ નથી. માંડ પિસ્તાળીસ હશે. પણ મજૂરીએ શરીર તોડી નાખ્યું. છોકરાને ચાર વર્ષનો મૂકી ને ગયા હતા, આજે દશ વર્ષ થઈ ગયા પણ બાપના આડાની મા બેઠી છે એટલે ખબર પડી નહિ. બા બધાનું બધું કામ કરતી, કરી આપતી. પ્રિય હતી, ઘણા માણસો ખબર પૂછવા આવતા, ઘણો ટાઈમ બેસતા, રસોઈમાં કંઈ કરી આપવું હોય તો પાડોશની સ્ત્રીઓ કહેતી પણ બા ના પાડતી. ‘ના રે…. અને જરૂર હશે તો તમને જ કહેશું ને ?’ જો જો ભાભી, પારકું નહિ ગણતાં.

વિનુ આવ્યો નહિ. એ રમવા ચાલ્યો ગયો હતો. બા મનોમન બોલી : ‘છોકરો બહુ રમતમાં પડી ગયો છે. આજકાલ કહ્યું માનતો નથી, સામા જવાબ આપી દે છે. કાલે કહ્યું કે કપડાં સૂકવી આવ, મારાથી દાદર ચડાતો નથી. તે ન જ સૂકવ્યાં. કાલે પારકી દુકાને નોકરી કરવી પડશે અને પારકે ભાણે જમવું પડશે ત્યારે કામ કર્યું ન હોય તો વસમું લાગશે. સમજશે, મોટો થશે, ઠોકરો લાગશે એટલે આપોઆપ સમજશે. મા નહિ હોય ત્યારે સમજશે.’ બાએ ઊઠીને સવારની ઢાંકેલી ભાખરીઓ અને અથાણાની વાડકી ફરીથી જોઈ અને ઢાંકી દીધી અને ઉંબરામાં જઈને બે બૂમ મારી જોઈ : ‘વિનુ !’
મામા હતા. મામા બિચારા સારા હતા. મહિને પંચોતેર રૂપિયાનો મનીઓર્ડર મોકલતા અને સ્કૂલમાં વિનુની માફી ચાલતી હતી. કહેતા, ‘બહેન, વધારે જરૂર પડે તો માગી લેજો. શરમાશો નહીં.’
‘ના ભાઈ, તમે જે કરો છો, ઓછું છે ?’ મામા બાથી નાના હતા પણ બા એમને ‘તમે’ કહેતી હતી. સુમતિમામી… પણ સ્વભાવની સારી હતી. પૈસાદારની છોકરી હતી. પરનાતની હતી. પણ આપણામાં ભળી જાય એવી હતી. કદાચ… એને આ પૈસા મોકલવાનું નહીં પણ ગમતું હોય, પણ બહાર જરાય કળવા દેતી નહીં. સ્વભાવની સારી હતી.

બાએ પણિયારામાં પડેલો લેપનો ડબ્બો લીધો (વૈદરાજે લેપના ડબ્બાને પણિયારામાં મૂકવાની સૂચના આપી હતી.) અને લંગડાતી, મુશ્કેલીથી પથારી પાસે આવીને બેઠી. પગ પરથી સાલ્લો ઊંચો કરીને એણે સૂકાયેલા લેપના પડ આસ્તે આસ્તે ઉખેડી નાખ્યાં. ખાસ ફરક પડતો ન હતો પણ વૈદરાજની દવા લાંબે વખતે ફાયદો કરતી હતી. હૉસ્પિટલના દાક્તર પાસે કેસ કઢાવીને બતાવ્યું ત્યારે કહેતો કે, ‘માજી, આવા વા જતા નથી. હવે તમારે બહુ દોડધામ બંધ કરવાની. તેલ અને મીઠું બંધ કરવાનું. વહુ હોય તો કહેવાનું કે સાંજના શેક કરી આપ.’ બાએ વહુ વિના શેક કરી જોયા, પછી વૈદરાજને વાત કરી. ઠંડા લેપને અઠવાડિયું નીકળી ગયું, હવે તો રાતે-પરોઢિયે બે-ત્રણ કલાકે ઊંઘ આવી જતી હતી અને જમણા પગમાં દરદ અટકી ગયું હતું.

કાળા-લીલા લેપમાંથી પકાવેલી, સડાવેલી વનસ્પતિની તેજ વાસ આવતી હતી. બાએ હળવે હાથે લેપની આંગળી સોજા પર ફેરવી. સોજા પર ઠંડક લાગતી હતી, ગમતું હતું. દુખતા પગે ઠંડક થવાથી થોડી વાર લાગતું કે દર્દ ઓછું થયું છે. પછી લેપ સુકાતો. બા સાડલો નીચો કરતી. રોજનું કામ શરૂ થતું. સાંજ પડતી, વિનુ ઘેર આવતો, પગમાં કળતર વધતી. બાને યાદ આવ્યું : હૉસ્પિટલના દાક્તરે કહ્યું હતું : ‘માજી, હાડકામાંનું પાણી સુકાઈ ગયું છે. બધું સુકાઈ જશે તો પગ સજ્જડ થઈ જશે.’ પછી ? મરેલા પગ લઈને એક જીવતું શરીર જીવ્યા કરશે, વેદના કરતાં બાને એ અસહાયતાની સ્થિતિનું, એ સ્થિતિની કલ્પનાનું દુ:ખ વધારે થતું.
રમીને વિનુ ઘેર આવ્યો, મોડી સાંજે.
‘ભૂખ લાગી છે.’
‘તારા ગયા પછી કેટલી બૂમો મારી, સાંભળે તો ને ? રમવાની કોઈ ના પાડતું નથી. પણ ભૂખે પેટે રમાય નહીં. કેટલી વાર કહ્યું કે નાસ્તો કરીને રમવા જા. માને કોણ ?’
ભાખરી અને અથાણાની વાડકી અને પાણીનો ગ્લાસ લઈને વિનુ બેસી ગયો અને ઝપાટાબંધ નાસ્તો કરવા લાગ્યો.
‘લીલું મરચું છે ?’
‘ના.’
બા વિનુને ઝપાટાબંધ ખાતો જોઈ રહી. અને કહેવાનું મન થયું કે આટલું જલદી જલદી કેમ ખાય છે, પણ તે બોલી નહીં. પાણી પીને વિનુએ પૂછ્યું, ‘તારે પગે દુ:ખે છે આજે ?’
‘ના’
‘જમણે પગે ?’
‘ના’
‘ડાબા પગે ?’
‘કહ્યું ને ? નથી દુખતું.’
‘સોજા તો છે એટલા બધા. પગ તો થાંભલા જેવો થઈ ગયો છે !’
‘ઠીક થતાં વાર તો લાગશે જ. જાદુની લાકડી થોડી છે કે એક વાર લેપ લગાવો ને સોજો ઊતરી જાય !’

વિનુ ચૂપ થઈ રહ્યો, પછી પથારીમાં આડો પડ્યો.
‘આ વૈદરાજ નકામો છે.’
‘એવું નહિ બોલ. તુ નાને મોઢે હમણાં હમણાં ઘણું બોલતા શીખી ગયો છે.’
‘એવા કાળા કાળા મલમ લગાડવાથી સોજા ન ઉતરે.’
‘તને ઘણી ખબર….’ બા આગળ બોલી નહિ.
‘હું તને ખરું કહું છું. મને તો એનો ચહેરો જ ગમતો નથી.’
‘સારું.’
‘કેવી જૂની પાઘડી પહેરે છે. એક પાઘડી છ મહિને બદલે છે.’
‘ચાલ, મારે એવી વાતો સાંભળવી નથી. તું તારું સંભાળ. આજે સ્કૂલમાં –’ રાત્રે ફાનસ જલી ગયાં ત્યારે પણ મા-દીકરો વાત કરતાં હતાં.
‘પછી શું થાય ?’
પછી બા કહેવા લાગી : ‘પછી હાડકામાં પાણી સુકાઈ જાય.’
‘પછી ?’
‘પછી પગ સજ્જડ થઈ જાય. પથારીમાં જ પડ્યા રહેવું પડે. કોઈ ઉઠાડે ત્યારે ઊભા થવાનું, કોઈ બેસાડે ત્યારે બેસવાનું.’
વિનુ બેઠો થઈ ગયો : ‘હેં !’
થોડી વાર વિચાર કરીને એણે કહ્યું : ‘બા, તેં તો મને કહ્યું નહિ, બા, તું તો મને કહેતી હતી કે આ સોજા ઊતરી જશે.’
‘હા, ઊતરી જશે સ્તો !’
વિનુનો – નાના વિનુનો – ચહેરો ગંભીર થઈ ગયો.
‘પણ તેં તો મને મામાને લખવાની ના પણ પાડી છે !’
‘હા, એમાં શું લખવાનું ? એમનો બિચારાનો જીવ ખેંચાયા કરે.’
‘ના, હું કાલે જ લખી નાખીશ –’
બા ગુસ્સે થઈ ગઈ. ‘ના કંઈ જ લખવાનું નથી. મને પૂછ્યા વિના કંઈ જ લખતો નહિ.’ ફાનસના અજવાળામાં કાળા પગવાળી બાને જોઈને વિનુને જરા ડર લાગ્યો અને એ કંઈ બોલ્યો નહીં.

બીજે સ્વારે મામાનો કાગળ આવ્યો. બાએ લઈને વિનુને વાંચી સંભળાવવા કહ્યું : વિનુ સ્કૂલે જતાં પહેલાં જમવા બેસતો હતો – વિનુએ વાંચવા માંડ્યું :

‘પ્રિય બહેન તથા ભાઈ વિનુ,

તમારો પત્ર હમણાં નથી, તો લખશો. સૌની તબિયત સારી હશે.’

વિનુએ આગળ વાંચવા માંડ્યું : ‘વિશેષ જણાવવાનું કે હમણાં રસોડામાં નવી ટાઈલ્સ નંખાવી એના બે દિવસ પછી સુમતિનો પગ સરકવાથી એને કમરમાં લચક આવી ગઈ છે. ડૉકટરની સલાહથી હમણાં પથારીવશ જ છે. ઊઠવા-બેસવાનું પણ બંધ છે. કે ખાસ ચિંતા કરવા જેવું નથી. દવાદારૂ ચાલે છે. ડૉકટરો કહે છે હજી અઠવાડિયું પથારીમાં રહેવું પડશે. પછી ઍક્સ-રે લેશે જેથી ખાતરી થઈ જાય. ચિંતા કરશો નહિ. લચક સામાન્ય છે –’

જમતા પહેલા જ બાના કહેવા પ્રમાણે નાનો વિનુ કાગળનો જવાબ લખવા બેસી ગયો. બા કહેતી ગઈ –

‘પૂજ્ય સુમતિમામીની સેવામાં, લિ. વિનુના પ્રણામ વાંચશો જી.

આજે પૂજ્ય મામાના પત્રથી ખબર પડી કે તમારી કમરમાં લચક આવી ગઈ છે અને તમે પથારીવશ છો. મારી બા લખાવે છે કે અહીં ચિંતા થાય છે માટે તબિયતના સમાચાર જરૂર આપશો…’

લાંબો પત્ર પૂરો થવા આવ્યો ત્યારે બાએ લખાવ્યું : ‘અહીં અમે બન્ને મજામાં છીએ.’

બીડતાં પહેલાં વિનુએ આખો પત્ર બાને વાંચી સંભળાવ્યો, પછી જમી લીધું અને ગણિતની ચોપડી વચ્ચે મામીનો કાગળ દબાવીને સ્કૂલે જવા માટે ચોપડીઓ લીધી. લંગડાતી બાએ દરવાજામાં આવી સ્કૂલે જતા વિનુને કહ્યું : ‘જોજે, રસ્તામાં દોસ્તારો સાથે ગપ્પા મારવામાં કાગળ નાખવો ભૂલી નહીં જતો. યાદ રાખીને નાખી દેજે.’ વિનુ દેખાતો બંધ થયો એટલે પાછી ફરી.

No Comments