મારી પ્રાતઃનિંદર… – જયંતીભાઈ પટેલ

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી જયંતીભાઈ પટેલનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર ]

મારા જેવા સૂર્યવંશી સંપ્રદાયના માણસને સવારે વહેલા ઊઠવાનું ક્યારેય અનુકૂળ આવ્યું નથી. સવાર મારી સૂર્ય ઊગ્યા પછી ખાસ્સા બે કલાકે શરૂ થાય એ મારો રોજિંદો કાર્યક્રમ. પણ મારી સુખની એ વહેલી સવારની નિંદરની સાથે કેટલાકને જાણે જનમભરની દુશ્મની હોય એમ એ લોકો વહેલી સવારની મારી એ નિંદરનું હરણ કરવા સજ્જ થઈને આવી પહોંચે છે.

અમારી શેરીનાં કૂતરાં જાણે ઊંઘતાં જ ન હોય એમ મને કાયમ લાગે છે. હિંદુસ્તાન અને પાકિસ્તાન અલગ થયાં એ પહેલાંથીય એમની, પડોશની શેરીનાં કૂતરાં સામેની દુશ્મની ચાલી આવી હોય એમ એમનું ભીષણ વાક્યુધ્ધ અવિરત ચાલ્યા જ કરે છે. જો કે એમની આ યુદ્ધનીતિથી ટેવાઈ ગયેલી મારી નિંદરને એનાથી કશી હાની પહોંચતી નથી.

એમની આ લડાયકવૃત્તિ આટલેથી અટકતી હોય તો તો કશો વાંધો નહીં, પણ કોઈ પણ સાયકલસવાર અમારી શેરીમાં દાખલ થાય એટલે આખી શેરીનાં બધાં કૂતરાં એક સામટાં ભસવા માંડે છે ને પેલાની પાછળ પડે છે. મને લાગે છે કે આ શ્વાનટોળીના કોઈ પૂર્વજની પૂંછડી ક્યારેક કોઈક સાયકલસવારથી કચડાઈ ગઈ હશે એટલે એમને બધા સાયકલસવાર દુશમન લાગતા હશે. પેલો સાયકલસવાર જો ગાફેલ હોય તો સાયકલ પરથી ભૂમિગ્રસ્ત થઈ જાય છે કે સજાગ હોય તો હોય એટલું જોર અજમાવી સાયકલ ભગાવી આ યુદ્ધભૂમિમાંથી પલાયન થવા પ્રયત્ન કરે છે. પણ તેમ છતાંય અમારી શેરીની આ શ્વાનસેના અટકતી નથી. એને અમારી શેરીની હદની બહાર ભગાડી દીધા પછી જ એ શ્વાસ લે છે. આમ કરતાં કદીક પેલાના પાટલૂનનો એકાદ કટકો ઊતરડી પણ લાવે છે ને પછી પોતાની એ પ્રશસ્તી અન્ય યોધ્ધાઓ સમક્ષ ક્યાંય સુધી વર્ણવ્યા કરે છે. આ દરમિયાન બાજુની શેરીના યોદ્ધાઓ પેલા સાયકલસવાર સાથે યુદ્ધે ચઢ્યા હોય એ અવાજ વધારામાં તેમાં ઉમેરો કરતો હોય છે.

જો તમે એમ માનતા હો કે આટલેથી અમારો નિંદ્રાહરણનો આ અધ્યાય પૂરો થઈ જાય છે તો તમારી ભૂલ થાય છે. અમે અમારી નિંદરને મનાવવા એકાદ બે જોરદાર બગાસાં ખાઈ નાખીએ છીએ ત્યાં તો જોરદાર ઘંટનાદ થાય છે. કોઈને એમ લાગે કે કોઈ બીજો મોરચો મંડાયો કે શું? પણ ના, આ તો ગાંધીબાપુ પ્રેરિત પ્રભાતફેરીનું રણશીંગું છે. અમારા ગામના પાંચસાત વૃધ્ધો વહેલી સવારે ‘જાગને જાદવા…’ કરતાં નીકળી પડે છે. એ એકલા જાદવાને જગાડતા હોય તો તો વાંધો નહીં પણ એમને તો આખા ગામને જગાડવું હોય એમ એ લોકો જોરજોરથી ઘંટ વગાડે છે. વળી એમના ટોળાના કોઈ વૃધ્ધ જાગ્યા ન હોય તો એમના ઘર પાસે જઈ વારંવાર ઘંટ વગાડી વચમાં વચમાં એમના નામની બૂમો પાડી એમને જગાડવા પ્રયત્ન કરે ત્યારે તો એમ લાગે કે શું નું શું ય કરી નાખું.

મને ગાંધીબાપુના આ પ્રભાતફેરીના કાર્યક્રમ પ્રત્યે જરાય વાંધો નથી પણ મારી સવારની મીઠી નિંદરનેય હું કેમ કરીને વિસરી શકું? આવો પ્રભાતનિંદરનો રસિયો હું એકલો જ ન હતો. મારા જેવા બીજા પણ ચાર જણા હતા. છેવટે અમે પાંચેય જણાએ ભેગા મળીને આનો ઉપાય કરવાનું નક્કી કર્યું. એમાંના એક દોસ્તનું ઘર ગામને છેવાડે હતું ને અમારે જે કાવતરું કરવું હતું એ માટે એ અનુકૂળ પણ હતું.

એક રાતે અમે બધા એ દોસ્તને ત્યાં જ સૂઈ રહ્યા. પ્રભાતફેરીનો સમય થતાં બધાએ ચડ્ડી, બનીયન એને માથે ફાળિયાં બાંધી દીધાં. જેવા પ્રભાતફેરીવાળા નજીક આવ્યા કે અમે બધા હાથમાં લાકડીઓ સાથે એમની સામે ધસી ગયા ને પેલા લોકો કંઈ સમજે એ પહેલાં તો એમના હાથમાંથી ઘંટ આંચકીને અંધારામાં રફુચક્કર થઈ ગયા. અમને થયું ચાલો ઘંટનાદથી તો છૂટ્યા. પણ અમારો એ આનંદ ક્ષણ જીવી (ત્રણ દિવસ જીવી) નીકળ્યો. ગામના કેટલાક ધર્મપ્રેમી લોકોએ એમને બીજો ઘંટ લાવી આપ્યો. આ ઘંટ પેલા પહેલા ઘંટનેય ભૂલાવે એવો જોરદાર હતો. એવો અવાજ અમારા ગામને તો શું પણ આજુબાજુનાં ગામોનીય ઊંઘ ઉડાડી મૂકે એવો હતો. મેં કાનમાં હવે બબ્બે પૂમડાં ઘાલવા માંડ્યાં પણ એનાથીય કશો ફેર ન પડ્યો.

એમાં મને એક દિવસ વિચાર આવ્યો કે આટલા બધા લોકો સવારમાં વહેલા ઊઠવા પર ભાર મૂકે છે તે એમાંય કશુંક તો કારણ હશે જ ને. આમેય વહેલી સવારની ઊંઘ તો જાય જ છે તો પછી શા માટે એમની જેમ વહેલી સવારે ફરવા ન નીકળી પડવું? બીજું કશું નહીં તો કસરત તો થશે. એટલે એક દિવસ હું મન મક્કમ કરીને માથે કફન (મફલર) બાંધીને વહેલી સવારે યા હોમ કરીને નીકળી પડ્યો. હજુ તો હું માંડ પંદરેક ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં તો મારી પાછળથી પહેલાં ધીમી ને પછીથી જોરદાર શ્વાનગર્જનાઓ થવા માંડી. તેમ છતાં મનને ન ડરવાનું સમજાવતો હું આગળ ચાલતો રહ્યો. મને થયું કે મારી શેરીના શ્વાન તો મને ઓળખે છે એટલે એ મને નહીં પણ કોઈ બીજાને ભસતાં હશે.

ત્યાં તો અવાજ એકદમ નજીક આવી ગયા. ગભરાઈને મેં પાછળ જોયું ને મારો જીવ જાણે ગળે આવી ગયો. વધારે વિચારવાનો વિચાર પડતો મૂકીને મેં જે દોટ કાઢી એનો તમને અંદાજ આવવો મુશ્કેલ છે. તોય અમારી શેરીની એ શ્વાનસેનાએ મારા નાઈટડ્રેસના તો લીરેલીરા ઉડાડી જ દીધા ! ત્યાં સામેથી પેલા પ્રભાત ફેરીવાળા આવી પહોંચ્યા. માથે કાળું મફલર અને લધરવધર કપડાંવાળો હું એમને પેલા ઘંટચોર જેવો જ લાગું ને? એક વખતના અનુભવથી સજાગ થઈ ગયેલા એ ટોળામાંના એકે લાકડી આડી કરી. એ લાકડીની અડફેટે હું બેચાર ગડથોલાં ખાઈને એક ગંધાતા ખાડામાં જઈ પડ્યો. ત્યાં કોઈકે મને ઓળખ્યોઃ ‘અલ્યા, આ તો મફત છે. આવાં લૂગડાં ને માંથે આવું બાંધેલું એટલે અમને લાગ્યું કે કોઈક અજાણ્યો છે એટલે આડી લાકડી ધરી. ભૈ, વાગ્યું તો નથી ને?’
પેલા માણસની ઉંમરનો ખ્યાલ કરી મારા છોલાયેલા ઢીંચણને પંપાળતાં હું મહાપ્રયત્ને મૌન રહ્યો.
ત્યાં કોઈક બીજાએ કહ્યું: ‘હેંડો અમારા ભેળા, ભગવાનનું નામ લેવાશે.’
મેં મનમાંના ગુસ્સાને દબાવતાં કહ્યું: ‘આજે નહીં, ફરી કોઈ વાર. આજે તો કપડાં બદલીને નહાઈ લઉં.’

પેલા એમને રસ્તે પડ્યા. મેં એમને ઘેર જવાનું કહ્યું તો ખરું પણ ઘેર જવું કેવી રીતે? અમારી શેરીની શ્વાનસેના એમની હદ ઉપર જાણે મારી વાટ જ જોતી હોય એમ ઊભી હતી. મેં વિચાર્યું કે કોઈ હરિનો લાલ મળી જાય ને એ સેનાનું ધ્યાન એના તરફ જાય તો જ ઘેર જવાય. એટલે હરિના લાલની વાટ જોતો હું મંદિરને ઓટલે બેસી પડ્યો. ખસ્સા દોઢ કલાક પછી એક હરિનો લાલ સાયકલની સવારીએ ચઢીને આવી પહોંચ્યો. મને તો એ સવાર ખુદ ભગવાનના અવતાર જેવો લાગ્યો.

જેવી શ્વાન મંડળી એને વળાવવા દોડી કે મેંય મૂઠીઓ વાળીને ઘર તરફ દોટ દીધી. પણ હું ધારતો હતો એટલી એ શ્વાનટોળી અસાવધ ન હતી. હું ઘરની પાસે પહોંચ્યો જ હતો ત્યાં તો પેલાને પડતો મૂકીને આખી ટોળી મારા તરફ ધસી આવી. મારામાં રહ્યું સહ્યું જોર લગાવીને હું ઘરના બારણા સુધી તો પહોંચ્યો પણ હું બારણું ખોલીને અંદર પેસું એ પહેલાં તો મારા નાઈટડ્રેસના બચેલા બેચાર લીરા તો એમણે ઉડાવી જ દીધા !

હવે હું નાસ્તિકોના શ્વાન વિહોણા ગામમાં હોય એવા ઘરની તપાસમાં છું. તમારા ધ્યાનમાં કોઈ એવું ઘર હોય તો જણાવજો.

No Comments

Leave A Reply