દીવાની વાટ – અનિલ જોશી

માટીના કોડિયે પડી ઠરતા દીવાની વાટ
અંતે તો ખૂબ તરફડી ઠરતા દીવાની વાટ

કાળો લિબાસ પહેરીને બેઠી છે ગોખલે
ઊભી થશે ના અબઘડી ઠરતા દીવાની વાટ

સરનામું હવે ક્યાં રહ્યું એ ઝળહળાટનું ?
અંધારયુગમાં જઈ ચડી ઠરતા દીવાની વાટ

દીવેલ જ્યારે સાવ ખૂટી જાય તે પછી
જાણે મરેલી ચામડી ઠરતા દીવાની વાટ

ઘસતા રહ્યા છે હાથ આ બાકસ-દીવાસળી
સૂરજની પાસે જઈ રડી ઠરતા દીવાની વાટ

જાણે સીતાજી હોય એમ અગ્નિપરીક્ષા દઈ
પોઢી ગઈ છે બે ઘડી ઠરતા દીવાની વાટ

મંદિરમાં ભાવ કોઈ એનો પૂછતા નથી
ઈશ્વરની વાટે જઈ ચડી ઠરતા દીવાની વાટ

No Comments

Leave A Reply