બે આંખની શરમ – સુધીર દલાલ

પસાર થઈ જતી મોટરના હેડલૅમ્પના અજવાળામાં આઠદસ છોકરાઓના ટોળાએ લટકાતી-મટકાતી ચાલી જતી એક છોકરી જોઈ અને અનેક ઝીણીતીણી સિસોટીઓથી અને eyes right, boys થી હવા ગુંજી ઊઠી. એ ટોળામાંના એકે – કેતને, ક્લિક – ચાંપ દાબી હોય એમ એકસ-રે લીધો અને એ પસાર થઈ ગયેલી ક્ષણ પછી જ્યારે એ જોવા બેઠો ત્યારે એમાં નર્યા નીતર્યા રૂપ ને સુડોળ, સમૃદ્ધ આકૃતિ સિવાય બીજું કંઈ જ નહોતું. એના હ્રદયે થોડા ધબકારાની ગાપચી મારી દીધી અને એ મૂગો થઈ ગયો.

ચોથી-પાંચમી વાર એણે આ છોકરી આ જ રીતે સ્વપ્ન માફક પસાર થતી જોઈ હતી, પણ એકેય વાર એનું સળંગ દ્રશ્ય એ યાદ રાખી શક્યો નહોતો. એકાદ ક્ષણ જ ચાલનું એકાદ ડગલું જ, ડોકનો એકાદ મરોડ જ એના ચિત્તમાં જડાઈ ગયાં હતાં – આખા ચલચિત્રમાંથી મશીન અટકી જતાં પડદા પર સ્થિર થઈ ગયેલું એકાદ દ્રશ્ય જ યાદ રહી જાય એમ; ગીતની આખી રેકર્ડ યાદ ન રહેતાં તડમાં ફસાઈ ગયેલી પિનથી અનેક વાર વાગ્યા કરેલી એકાદ પંક્તિ જ યાદ રહે એમ. આ ચારપાંચ ક્રમનો સરવાળો એક જ થતો હતો : એને મળવું જ પડશે, કદાચ ચંપલ કે તમાચો ખાવો પડે તો પણ.

લૉન પર કૂંડાળું વળી બેઠેલા ટોળામાંથી એ ઊભો થઈ ગયો અને પાસે ઊભા રાખેલા એના સ્કુટર તરફ ચાલ્યો. બીજા બધા સમજી ગયા. એકે best luck કહ્યું અને બીજા એકે ‘અમારે શું? પરણો અને સુખી થાઓ એટલે બસ.’ કહ્યું. સંસ્થાના વાર્ષિકોત્સવમાં થતા સેક્રેટરીના ભાષણની જેમ એ બધાની ટકોર ગણકાર્યા વગર એણે સ્કુટર ચાલુ કર્યું.

છોકરી હજુ બહુ દૂર પહોંચી નહોતી. રસ્તાની ધારને કિનારે કિનારે એકધારી રીતે એ ચાલી જતી હતી. કેતને સ્કુટર એક બાજુ ઊભું રાખ્યું. છોકરીના સ્કુટરના અટકવાના અવાજથી ચમકી અને એ બાજુ તાકી રહી. તરતજ કેતન બોલ્યો : ‘તમે મને ઓળખતાં નથી. હું તમને લગભગ રોજ અહીં ફરવા નીકળતાં જોઉં છું. મારું નામ કેતન, હું તમારી સાથે ચાલુ તો વાંધો છે?’

ક્ષણભર એ વિચારમાં પડી ગઈ હોય એમ લાગ્યું અને પછી એણે હાથ લાંબો કર્યો : ‘ચાલો !’

કેતનનો હાથ પકડીને એણે ચાલવા માંડ્યું ! કેતને નવલકથામાં પણ આવું નહોતું વાંચ્યું. એના શરીરમાં એક અવર્ણ્ય ઝણઝણાટી ફેલાઈ ગઈ. એનો હાથ – પેલો મૃદુ હાથ પકડેલી હથેળી, જાણે બહેર મારી ગઈ ! માંડ માંડ એ બોલી શક્યો : ‘તમારું નામ?’
‘પ્રીતિ’
મીઠું, લાડકું, ગળ્યું ગળ્યું ! થોડુંક એ બન્નેએ મૂગા મૂગા ચાલ્યા કર્યું. છોકરીની હજુ એ જ સ્વસ્થતા હતી; એની ચાલમાં એ જ લયકારી; એની આજુબાજુ ગુંજતું લાગતું એ જ સંગીત.
‘આપણે ક્યાંક બેસીશું?’ કેતને પૂછ્યું.
‘તમે કહો ત્યાં. દોરી જાઓ.’ છોકરી બોલી.
‘શી કહેવાની રીત ! દોરી જાઓ !!’ કેતન એનો હાથ ખેંચી એક બાજુ લઈ ગયો અને અંધકારના એક ખૂણે ઝાડ નીચે બેઠો. છોકરીએ ડ્રેસ સરખો કર્યો. ઊભા ઢીંચણે, લાંબા પગે બેઠી. ઢીંચણ ફરતા હાથ ગોળ વીંટી દીધા. અને ડોક ટટ્ટાર કરી વાળ પાછળ બરડે પાથરી કાઢ્યા. પછી પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો?’
‘શાહીબાગ.’ કેતને કહ્યું. ‘અને તમે?’
‘હું તો અહીં જ રહું છું – અરધો એક માઈલ દૂર. તમે હંમેશા અહીં ફરવા આવો છો?’
‘ક્યારેક; બધા ભાઈબંધો ભેગા થયા હોઈએ ત્યારે. તમને મળવાનું ઘણીવાર મન થયું, પણ હિંમત આજે જ કરી શક્યો.’

કેતને કહ્યું તો ખરું, પણ એને થયું કે એક હિંમત આવતાં બીજી અનેક હિંમતો ચાલી ગઈ હતી. પ્રીતિના સાન્નિધ્યે એની અનેક લાગણીઓને જાણે છતી કરી દીધી હતી. એક રીતે જાણે કોઈ એનાં કપડાં ઉતારી ગયું હોય એમ એને શરમ પણ આવવા માંડી. છોકરીએ એના હાથમાં હાથ સોંપી એની બધી વિલાસિતાઓને જાણે અટકાવી દીધી હતી, ઈચ્છાઓને જૂદો જ વળાંક આપી દીધો હતો. સ્કૂટર પર વિચારી રાખેલું ‘છેવટે ત્રીજી વારની મુલાકાતે પોતે એનો હાથ, રેખાઓ જોવાને બહાને, હાથમાં લેશે.’ – એ બધું નકામું ગયું. એના હૃદયમાં એણે કદી નહિ અનુભવેલી કૂંણી લાગણીઓ જન્મી : કંઈક અંશે સ્વચ્છ અને સાત્વિક.
‘આજે કઈ તિથિ થઈ?’ પ્રીતિએ પૂછયું.
‘તિથિ ? તિથિ કોણ યાદ રાખે છે ! આખા વર્ષની એક તિથિ યાદ છે – મહા સુદ પડવો. મારી વર્ષગાંઠ. કેમ કંઈ છે?’
‘કંઈ નહિ આ તો ચંદ્ર….’ એ અટકી ગઈ. કેતને દોર સાંધી દીધો : ‘ચંદ્ર પરથી આઠમ-નોમ લાગે છે.’
‘ચાંદની સરસ છે નહિ?’ પ્રીતિ બોલી.
કેતન જરાક હસ્યો : ‘તમને ચાંદની વળી કયાં દેખાઈ? મ્યુનિસિપાલિટીના દીવા બધી મઝા મારી નાખે છે !’
‘દીવાનું તેજ થોડું જ આપણા સુધી આવે છે?’
‘પણ ચાંદની ત્યારે ક્યાં આવે છે? ઝાડના પડછાયામાં એય ખોવાઈ ગઈ છે. સિવાય કે આ જમીન પર પડતા, પાંદડામાંથી ચળાઈ આવતા ચાંદરણાને ચાંદની કહીએ તો છે.’
‘તમે માનો તો ચાંદરણું ચાંદની લાગે, અને ન માનો તો ચાંદનીય ચાંદરણું; – સુખદુ:ખની જેમ.’
‘ઓહ ! તમે કવિ છો કે તત્વજ્ઞાની?’
‘હું આવું બધું વિચારું છું અને પછી દુ:ખી દુ:ખી થઈ જાઉં છું. એક ક્ષણે સુખ અને બીજી ક્ષણે દુ:ખ, કેમ? સુખ પછી દુ:ખ આવું બધું.’
‘દુ:ખ એ સુખનો પડછાયો હોવો જોઈએ.’ કેતન બોલ્યો તો ખરો, પણ પછી વિચારમાં પડી ગયો. એને થયું કે આ હું બોલ્યો? કેતન? પેલા ટોળામાંનો એક? એના દોસ્તો વચ્ચે આવું કંઈ બોલ્યો હોય તો? Get out કરે, નાતબહાર મૂકે, મશ્કરી કરે, એથીય વધુ – એની વાત સાંભળ્યા વગર જ ફિલ્મોની વાતો ચાલુ રાખે.

‘કદાચ નાનું છોકરું ચગ્યું હોય ત્યારે આપણે કહીએ છીએ ને કે ‘બહુ ખીલ્યું છે તે રડવાનું જ થયું છે’ એની પાછળ પણ એ જ તત્વજ્ઞાન હશે, કેમ?’ પ્રીતિ બોલી : ‘અત્યારે હું સુખી છું, કદાચ કાલે દુ:ખી હોઈશ. તમે અત્યારે સુખી છો, કલાક પછી કદાચ દુ:ખી હશો.’ પ્રીતિએ ઢીંચણ ઉપર માથું નાખી દીધું.
‘જવા દે એ વાત આપણે કયાં ફિલસૂફ થવું છે?’
‘કેટલા વાગ્યા? તમારી પાસે ઘડિયાળ છે?’ પ્રીતિએ પૂછ્યું. કેતને સામે દેખાતા ટાવરમાં જોઈને કહ્યું : ‘ટાવર સામે જ છે ને ! નવ ને વીસ. કેમ, મોડું થાય છે?’
‘તમે નવ ડંકા સાંભળ્યા? મેં કેમ સાંભળ્યા નહિ?’
‘આપણે ફિલસૂફીમાં ઊતરી ગયાં હતાં ને, એટલે.’

ઠંડો પવન નીકળ્યો હતો. પ્રીતિના વાળની લટ એમાં ફરફરવા લાગી. ક્યાંય સુધી એ નીચી આંખો ઢાળી બેસી રહી. કેતન થોડીવાર એને જોઈ રહ્યો. પ્રીતિની મુખાકૃતિ હજુ એણે સ્પષ્ટપણે જોઈ નહોતી. એને એ હૈયામાં કંડારી લેવી હતી. પ્રીતિની હડપચી પકડી એણે એનું મોં પકડી લીધું. એના સ્પર્શે એ થથરી ઊઠી. એણે આંખો મીંચી દીધી ને જાણે વાટ જોઈ રહી.

કેતન એને બરાબર જુએ એ પહેલાં જ ત્યાંથી પસાર થતી એક મોટર ત્યાં ઊભી રહી. મોટરમાંથી ધીમો ચણભણાટ એમની બાજુ દોડી આવ્યો. મોટર જરાક વળી અને એનું લાઈટ બન્ને પર પથરાઈ ગયું. કેતન ચોંકી ઊઠયો. ટટ્ટાર થઈ ગયો. આંખ સામે હાથ ધરી એણે પ્રીતિ સામે જોયું. એ તો એવી જ સ્વસ્થ હતી. કેતનને થયું, છોકરીઓ આટલી હદ સુધી પ્રેમમાં મસ્ત રહેતી હશે? સ્થાન, સમય, સંજોગ, સંકોચ, ભૂલી જઈ શક્તી હશે?’ ‘તોફાની છોકરાઓ લાગે છે.’ એણે કહ્યું.
‘કેમ?’
‘હાથે કરીને એણે મોટર ફેરવી આપણા ઉપર લાઈટ ફેંક્યું. એમાં એમના હાથમાં શું આવ્યું?’
‘વ્હીસલો ના મારી એમ કહો. એટલા સજ્જન.’
કેતન શરમાઈ ગયો. પોતેય એવા જ એક ટોળામાંનો હતો ને ! એણે ફરી એ ટોળાનું નામ નહિ લેવાનો નિશ્ચય કર્યો.
પ્રીતિમાં એવું કંઈક તત્વ હતું જેનાથી વાતાવરણ સ્વચ્છ, સહજ થતું હતું. જે છોકરી વિષે પહેલાં એણે દરેક જાતનો સારો-નરસો વિચાર કરેલો એ જ છોકરી વિષે અત્યારે એ નિર્મળ પ્રેમ ને મમતા સિવાય બીજો એક પણ વિચાર કરી શક્યો નહોતો. સ્ત્રીની ગેરહાજરીમાં ખદબદતાં ગંદા વિચારો, મલિન ઈચ્છાઓ, વિલાસી વૃત્તિઓ સ્ત્રીના સાન્નિધ્યમાં કેમ વિલીન થઈ જતાં હશે?

ક્યાંય સુધી પોતાના વિચારોમાં એ ગરકાવ થઈ ગયો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે પ્રીતિ કંઈક ધીમે ધીમે ગણગણતી હતી. થોડીવાર એ સાંભળી રહ્યો. શબ્દો સંભળતા નહોતા છતાં સ્વર ગુંજતો હતો.
‘મોટેથી ગાઓને ! મનેય થોડો લાભ મળે.’
‘અરે, મને કંઈ ગાતાંબાતાં નથી આવડતું. કમનસીબે એવી કોઈ કળા આપણને વરી નથી.’
‘તો હમણાં તમે શું ગાતાં હતાં?’
‘ગણગણતી હતી, ગાતી નહોતી.’
‘અચ્છા ગણગણતાં હતાં, બસ ! એક વિનંતી કરું? કંઈક ગણગણોને ! તમને જે આવડે તે. અને સાથે સાથે કહી દઉં કે મને તો આવડતું જ નથી, એટલે તમે ગમે તેવું ગાશો તોય ગભરાવાની જરૂર નથી.’
‘મને તો નથી આવડતું એકે સિનેમાનું ગીત કે સુગમસંગીત. આ તો વર્ષો પર એક ગઝલ વાંચી હતી એ યાદ કરતી હતી. શબ્દો બેસતા નહોતા.’
‘કઈ?’
‘તો લિજિયે સુનિયે!’ જાડો અવાજ કાઢી પ્રીતિએ કહ્યું અને ગવૈયાની જેમ ગળું ખોંખાર્યું.
કેતન હસી પડ્યો. પ્રીતિની સ્ટાઈલ જ એવી હતી.
‘આ….’
’હું સ્વર આપું?’ કેતને પણ ચાલાવ્યું.
‘નહિ. નહિ તમે ‘સ્વર્….ગ’ જ આપો. હું સ્વર આપીશ.’
ગઝલની બે પંક્તિઓ પ્રીતિએ ગાઈ.
‘બસ, આગળ નથી આવડતું.’ એ બોલી.
‘ફાઈન ! સરસ ! બ્રેવો !’
‘શું ફાઈન ? મેં આટલેથી પૂરું કર્યું એ સારું કર્યું.’
‘અરે તમે તો બે લીટીયે ગાઈ શક્યાં, અહીં તો ‘મેં એક બિલાડી પાળી છે’ ભીમપલાસીમાં શીખ્યા હતા ત્યાંથી આગળ વધ્યા જ નથી. ભીમપલાસી તો પાછું કોઈકે કહેલું એટલે; નહિ તો આપણે મન ‘મેં એક બિલાડી પાળી છે’ એટલે મેં એક બિલાડી પાળી છે. એમાં વળી રાગવૈરાગ શા?’

પ્રીતિ હસી પડી : ‘ઊઠીશું?’
‘ચાલો, હું તમને ઉતારી જાઉં.’
‘ના, ના; હું તો ચાલતી જ જઈશ.’
‘કેમ? મારી સાથે કોઈ જોઈ જાય એટલે?’
‘ના, એટલે નહિ. તમારે આવવું હોય તો ચાલો મારી સાથે. સ્કૂટર અહીં જ રહેવા દો.’
‘ચાલો.’ પ્રીતિ કેતનનો હાથ ઝાલી ઊભી થઈ. હાથ એના હાથમાં જ રહેવા દીધો.
‘કઈ બાજુ!’
‘આપણી વાતોમાં દિશાય ભૂલી ગઈ. કૉલેજ બાજુ. કૉલેજ કઈ તરફ આવી?’ પ્રીતિએ ચારે બાજુ નજર ફેરવી કાઢી.

કેતને કૉલેજ તરફ ચાલવા માંડ્યું. પ્રીતિની હથેળીમાંથી, એની આંગળીઓમાં પરોવાયેલી આંગળીઓમાંથી લોહી એના શરીરમાં ધમકારાબંધ પ્રવેશી પરિભ્રમણ કરવા માંડ્યું. ઘડીક પહેલાંની સરળતા, સાહજિકતા ચાલી ગઈ અને હૃદયના ધબકારા જાણે બૅંડવાજાં વાગતાં હોય એમ ચાલવા માંડ્યા.

બન્ને મૂગા મૂગા ચાલતાં હતાં. છેવટે પ્રીતિ બોલી : ‘કૉલેજ પછીની પહેલી ગલીમાં રખે આ તાનમાં ગુલતાન થઈ જાઉં, એટલે કહી રાખું ને?’
ગલીમાં વળ્યાં. થોડી વાર પછી પ્રીતિ બોલી : ‘મને લાગે છે આપણે આવી ગયાં. એક કામ કરો છો? ઝાંપાના થાંભલા ઉપર બોર્ડ લટકાવેલું છે?’
‘છે. હવે ક્યારે મળશો?’
‘તમે કહો ત્યારે.’
‘કાલે ? રાતના આઠ વાગ્યે? અહીં આવું તો વાંધો છે?’
‘કશો જ નહિ ને!’
‘અચ્છા’
‘આવજો’
‘આવજો’

પ્રીતિએ ઝાંપો ખોલ્યો. એનો દુપટ્ટો ઝાંપાની ડિઝાઈનના એક વળાંકમાં ભરાઈ ગયો. કેતને વાંકા વળી એમાંથી દુપટ્ટો કાઢયો. પ્રીતિ અંદર ચાલી ગઈ. કેતને ઝાંપો બંધ કર્યો. પાછા ફરતાં એની નજર પેલા થાંભલા પરના પાટિયે પડી : ‘અંધ કન્યાગૃહ’ – અંધકારમાંય એ ઉકેલી શક્યો.

બીજે દિવસે આઠ વાગ્યે જ્યારે એ આવ્યો ત્યારે બહાર કોઈ નહોતું. એણે અંદર તપાસ કરી. પ્રીતિ નહોતી. ‘બહાર ગઈ છે; આપ કોણ?’ ઑફિસમાં બેઠેલાં એક પ્રૌઢ બહેને પૂછ્યું.
કેતને પોતાનું નામ ના આપ્યું : ‘હું એક ચિઠ્ઠી મૂકી જાઉં છું, તે એમને આપશો?’
‘જરૂર’
ખિસ્સામાંથી પેન કાઢી એણે એક કાગળ પર ઝડપથી ધ્રુજતા હાથે લખવા માંડ્યું.

‘પ્રીતિ,
તું સમજી ગઈ હોઈશ. મારે તને રૂબરૂ જ વાત કરવી હતી. પણ તું તો છે નહિ. એક રીતે ઠીક જ થયું. મારે જે બધું કહેવું છે એ કદાચ તારી સામે કહી જ શક્યો ન હોત. તારું હૃદય ભાંગતાં જીવ ચાલતો નથી. તારી વ્યથા કલ્પી શકું છું. પણ શું કરું? હું તો સમાજ, માબાપ, બધાથી વીંટાળાયેલો છું. તને અપનાવવાની મારામાં શક્તિ નથી. તું જોઈ શકતી હોત તો કદાચ તેં મને પહેલેથી જ માપી લીધો હોત. તારી અંધ આંખોએ મને છેતર્યો નથી, મેં તને છેતરી છે એમ મને લાગે છે. આ પત્ર પણ તારે તો કોઈની પાસે જ ઉકેલાવવો પડશે. ખેર ! ‘વચને કરેલા પ્યારના હૈયા કર્યા છે ટુકડા.’ જ ઠીક છે એમ તને હવે ખરેખર લાગશે. તારા દુ:ખમાં કંઈક અંશેય ભાગ મેળવવા તારી મૈત્રી તો ઝંખું જ છું.’ સહી કર્યા વગર જ એ ચાલ્યો ગયો.

પ્રીતિએ પાછા આવી એ કાગળ વાંચ્યો, હસી…, ફાડી નાખ્યો, અને ગૃહની બધી છોકરીઓ બરાબર સૂઈ ગઈ છે કે નહિ એ જોવા અંદરના ઓરડામાં ચાલી ગઈ.

No Comments

Leave A Reply